0
નદીનાં ખુલ્લાં પટમાં એક પડાવ હતો. ચાલીસેક તંબુ તાણેલા. નાની એવી વસાહત જ જોઈ લ્યો. બાજુમાં જ એક નાનકડું શહેર હતું. લગભગ પોણો મહિનો થયો હતો આ પડાવ ને અને હવે લગભગ પોણો મહિનો બાકી રહ્યો હતો. નાત મુખીનો વરસોથી પળાયેલ એક વણલખ્યો નિયમ હતો કે ગમે એવું ગામ , નગર કે શહેર હોય દોઢ મહીનોથી વધારે રોકાવું નહિ. આવા બીજા સાત પડાવ હતાં આ જ નદીના પટમાં શહેર મોટું હતું એટલે આ લોકો આઠે આઠ પડાવ એક જ નદીમાં હતાં નહીતર અલગ અલગ ગામમાં હોય. એક જ નદીનો પટ હોવા છતાં બે પડાવ વચ્ચે ખાસું અંતર હતું!!
આ આઠેય પડાવનો એક નાત મુખી હતો અને એ પડાવ નબર એકમાં હતો!! નાત મુખી એટલે ખલાસ!! એનો પડ્યો બોલ જીલાય!! એ જે કહે એ કરવાનું જ અને ના કરો તો કાઢે નાત બહાર!! એટલે જ પડાવ માં કહેવાતું કે ભાઈ ભગવાન રૂઠે તો ભલે રૂઠે પણ આ નાત મુખી રુઠવો ના જોઈએ!! પડાવમાં દરેક પાસે એક ગાડું હોય બે બળદ તો હોય જ બાકી કોઈ પાસે બે ગાડા હોય અને ચાર બળદ હોય!! નાત મુખી જ નક્કી કરે કે કોને ક્યાં જાવું!! આ આઠેય પડાવના કાયદા કાનુન આ નાત મુખીને મોઢે!! ભાગ્યું તૂટ્યું રજવાડું જ જોઈ લ્યો ને આખા વરહનું આયોજન નક્કી થઇ જાય!! અને હોળી વખતે આ લોકો બધાં પડાવ એક જ જગ્યાએ ભેગો થાય..અને હોળીને તો પંદર જમણની વાર હતી!!
આમતો કહેવાય છે કે આ વિચરતી જાતિ વરસો પહેલાં રાજસ્થાનમાંથી આવેલા અને ગુજરાતમાં ખાવાનો રોટલો મળી ગયો એટલે અહી જ આડા અવળા ગમે ગામ પોતાનો વારસાઈ ધંધો કરવા માંડેલા પણ ક્યાંય ઠરી ઠામ ના થાય!! ખુલ્લામાં પ્રકૃતિ સાથે કાયમી નાતો એને બંધીયારમાં કેમ ફાવે!! એક દમ મજબુત અને મહેનતું પ્રજા પણ ગરીબ નહિ એક ગાડાવાળા પાસે નાંખી દ્યો તોય બે બે લાખ રોકડા નીકળે જ એ મુસાફરી કરતાં હોય ત્યારે ગાડાની નીચે બાંધેલા હોય અને જ્યાં પડાવ નાંખે ત્યાં આજુબાજુની જમીનમાં દાટેલા હોય!! કસબ અને કારીગરી નહિ!! કોઈ ફેશન નહિ પણ વ્યસનોથી પુરેપુરા ઘેરાઈ ગયેલાં!! જેટલાં વ્યસન ભાયુંમાં એટલાં જ વ્યસન બાયું માય ખરા!! પણ ભગવાને તંદુરસ્તી ગઝબની આપેલ કે કોઈ મોટા મોટા રોગ તો આ લોકને થાય જ નહિ!! શરૂઆતમાં બધાયનો ધંધો એક જ હતો ઢોર ઢાંખર વેચવાનો, પછી કાળક્રમે કલઈ કરવામાં હાથ બેસી ગયો!! પીતળના વાસણ ને એવી તો કલઈ કરે કે એકદમ સ્ટીલ જેવું કરી દે!! એકદમ ઝગારા મારતું વાસણ કરી દે!! ગામેગામ ફરતા અને કોલસાની ભઠ્ઠી પેટાવીને કલઈ કરતાં!! પણ પછી તો સ્ટીલના વાસણ જ આવ્યાં અને પ્લાસ્ટીકના યુગમાં તો એમનાં એ ધંધા પડી ભાંગ્યાને તે સહું પોતપોતાની રીતે ધંધો કરતાં!! કોઈ મેળામાં રમકડા અને બંગડી વેચતા તો કોઈ હાઈવે કે શહેરની સડકો પર કોઈને કોઈ વસ્તુ વેચવા નીકળી જતાં!! અમુક તો વળી સોનાનાં દાગીના ને કાટ ઉખેડવાના અને લુંટવાના ધંધામાં ચડી ગયેલાં!!
ધૂળા ગેમા નાત મુખી એક મોટા ખાટલા પર લાંબા પગ કરીને બેઠેલ હતો. એય ને ગથોડાં જેવો બાંધો. રવિવાર સિવાય લગભગ નાતો નહિ અથવા તો પડાવમાં કોઈ અવસાન પામ્યું હોય તો નાય બાકી નાવા બાવાના અપલખણ એનામાં આવેલા જ નહિ!! આજુબાજુ ત્રણ ચાર ટાબરિયા રમતા હતાં.આમ તો આડા દિવસે બધાય સવારમાં જ પોત પોતાના કામે જતાં રહે પણ આજ પડાવમાં બધાને ઉત્સુકતા હતી.. આજ નાત મુખી એ મીટીંગ બોલાવી હતી અડધી કલાકમાં બાકીના સાતેય પડાવ વાળા આવી જવાના હતાં!! અગાઉ લગભગ ક્યારેય આવું બન્યું નહોતું જે નિવેડો લાવવાનો હોય, જે પ્રશ્ન હોય ઈ બધાં હોળી પર જ ઉકેલાઈ જતાં!! પણ આજ ધૂળા ગેમા ચિંતામાં હતો!! આજ એક પ્રશ્નનું નિરાકરણ લાવવાનું હતું!! કલાકેકમાં બધાં આવી ગયાં!! નાત મુખી એક જ મોટા ખાટલા પર બેઠો હતો. બાકીના બધાં નીચે બેઠા હતાં.. નાત મુખીએ હોકલી પીવાની શરુ કરી. બાકીના બધાં ચલમ પીતાં. મુખી એક જ હોકલી પી શકે!! તમારે હોકલી પીવી હોય તો મુખી બનવું પડે!! એક બાજુ ભાયું ગોઠવાણા!! બાયું બધીયું જમણી બાજુ ઉભી હતી,એમની બાજુમાં છોકરીયું અને નાના છોકરા. જમણી પ એક ગાડાની ઉન્ધ પર ચાર પાંચ વાંગડ કહી શકાય તેવા છેલબટાઉ જુવાનીયા ખાખાખીખી કરતાં હતાં. બરોબર વચ્ચે ધુનકી અને એની દીકરી લખી ઉભી હતી.
“તો હવે શરુ કરીએ” એક જણ બોલ્યો. અને મુખીએ હોકલીમાંથી સટ મારીને ધુમાડાનો ગોટો હવામાં ઉડાડયો......
પડાવ નબર ત્રણમાંથી એક જણ ઉભો થયો અને નાત મુખીને કીધું.
“આ ધુનકી એની દીકરી નો સંબંધ ગટીયા સાથે થયેલો છે એ તોડવા માંગે છે,એની દીકરી લખી કહે છે કે ગટીયા હારે એને નથી પરણવું”
 

“એમ ઈ નો હાલે વિહ વરસ પહેલાં એનાં સંબંધની ગાંઠ ગટીયા હારે બધાયની રૂબરૂ માં બંધાઈ ગઈ છે, નીમ ઈ નીમ , ઈ તૂટે તો આપણું ગાડું કેમ હાલે આપણા સમાજમાં ઈ બન્યું નથી ક્યારેય.. અને હા એવું કોઈ કારણ હોય તો સમાજ વિચાર કરે પણ તોય દંડ તો ભરવો જ પડે!! નાત મુખી ધૂળા ગેમા એ બીજી સટ મારી હોકલીમાંથી અને કીધું અને ધુમાડાના ગોટા ઉડ્યા!!
દર હોળી એ દીકરા દીકરીના સગપણ થતાં. જે પડાવ હોય એ કુટુંબ ગણાય!! બીજા પડાવમાં તમે સંબંધ કરી શકો. પોતાના પડાવ માં નહિ.. આજ થી વીસ વરસ પહેલાં લખી જ્યારે એક વરસની હતી ત્યારે એનો સંબંધ ધૂળા ગેમાના નાના ભાઈ ના એક વરહના છોકરા ગટીયા સાથે કર્યો હતો.. અને વિધિ પણ એકદમ સામાન્ય!! બધાં નાના નાના છોકરાના સંબંધ ઘોડીયામાંથી જ નક્કી થઇ જાય.. હોળીને દિવસે બધાં ના ઘોડિયા એક લાઈનમાં ગોઠવે અને મુખી કહે
“લાવો સોપારી એટલે છોકરા વાળા એક સોપારી આપે,છોકરી વાળા એક સોપારી આપે. અને મુખી કાઢે એક રેશમની ચુંદડી!! એ બેય સોપારી ચુંદડીની વચ્ચે મુકીને એક મોટી ગાંઠ મારી દે એટલે પૂરું!! અને ચુંદડી આપે છોકરાવાળા ને બસ કામ પૂરું હવે એ ગાંઠ નાત મુખી કહે તો જ છૂટે નહીતર નહિ!! જીવનભર સંબંધ નિભાવવાનો!!! આ ચુંદડીમાં ગાંઠ એટલે લોઢામાં લીટો!! અને આ રીતે જેટલા સંબંધ કરવા હોય ઈ બધાં હોળીને દિવસે થતાં!!
પણ ધુનકી ની દીકરી લખીને આ સંબંધ હવે મંજુર નહોતો. ધુનકી રૂપ રૂપનો કટકો એનો પતિ મંગલો લખી જયારે એક વરસની હતી ત્યારે જ ગુજરી ગયેલો. આમતો કાગડો દહીંથરું લઇ ગયેલો કયા રૂપાળી ધુનકી અને ક્યાં માયકાંગલો મંગલો પણ નાનપણમાં એનો સંબંધ થઇ ગયેલો.મંગલાને કાયમ દેશી ટટકારવા જોઈએ અને લગ્ન પછી તો ધુનકી આવી ગઈ કમાવા વાળી એટલે ડબલ ટટકારવા માંડ્યો ને એમને એમ એ ઉકલી ગયો ને ધુનકી ને લખી એકલાં થઇ ગયેલાં. લખી એની માં ઉપર ગયેલી અને એય નાનપણથી જ ખુબ જ રૂપાળી હતી તે એક હોળીના દિવસે પરમ્પરા મુજબ એનું પણ સગપણ થઇ ગયેલું ગટીયા સાથે. એક દિવસ પડાવ એક શહેરમાં હતો અને ધુનકી લખીને લઈને રમકડાં વેચવા રોડ પર બેસે ને બાજુમાં જ નિશાળ તે લખી નિશાળના દરવાજે ઉભી રહે અને નિશાળ સામે જોઈ રહે!! ઉમર હશે આઠેક વરસની!! કાયમ ઉભી રહે દરવાજા પાસે!! નાનકડી છોકરીની આંખો શાળાના એક શિક્ષિકાબેન ઓળખી ગયાં તે એક દિવસ લઇ ગયાં નિશાળે!! ધુનકીએ પણ રજા આપી તમ તમારે લઇ જાવ નિશાળે!! અને લખીને મજા આવી ગઈ. મહિનો આમ ચાલ્યું ને પછી પડાવ ઉપાડવાનો સમય આવ્યો ને લખીને તો નિશાળે ફાવી ગયેલું.
“તારી છોડી ભણવામાં હોંશિયાર છે એને શાળામાં બેસારવી છે આવતાં વરસે? શિક્ષિકાબેને ધુનકીને કીધેલું.
“ના બોન અમે તો ફરતાં જીવ તે કેમ મેળ ખાય, આજ અહી તો કાલ બીજે અને ઉપરથી એનો બાપ પણ નથી, હું ને છોડી બે જ છીએ આ રમકડા વેચી ને જેમ તેમ પૂરું કરીએ છીએ” ધુનકીએ નિસાસો નાંખેલ.
“જો તારે ભણાવવી હોય તો એ બધું થઇ રહેશે જ બોલ એક કસ્તુરબા ગાંધી વિદ્યાલય છે એમાં રહેવા જમવાનું મફત છે. ઘણી બધી છોકરીઓ ભણે છે, છોકરી સચવાશે કાલે વિચાર કરીને કેજે” અને એ સાંજે નાત મુખીને વાત કરીને મુખીએ રજા પણ આપી અને કીધું પણ ખરું.
“ ભણે ઈ સારું, આપનામાંથી કોઈ ભણેલું હોય ઈ ક્યારેક તો કામ આવે જ પણ ઈ ધ્યાન રાખજે કે એ પછી આપણી સામે ના થાય, બાકી બીજા વરણ ને આપણે જોઈ જ છીએ કે છોડી વધારે ભણે ઈ પછી કોઈના કાબુમાં રેતી નથ્યને પછી ભાગી જાય છે બીજા હારે એવું તો નહિ થાય ને, એતો ખબર છને કે એનાં નામની ગાંઠ ચુંદડીમાં પડી ગઈ છે ગટીયા હારે, અને ગટીયો મારા ભાઈનો છોરો છ!!
“ઇવું કાઈ નહિ થાય ઈની હું તમને ખાતરી આલું છું” ધુનકી બોલી એક સજ્જડ વિશ્વાસ થી બોલી. અને આ રીતે લખી ભણવા બેઠી. વેકેશન પડે એટલે ધુનકી એને તેડી આવે,હોળી આવે એટલે તેડી આવે બાકી એ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં ભણી આઠ ધોરણ!! પછી તો એણે ઘરે બેઠા દસમાની પરીક્ષા આપી અને પાસ પણ થઇ. પણ આ હોળીએ એને ગટીયા ની હારે જાવાનું હતું. ગયે વરહે જ નાત મુખીએ કીધું તું કે હવે લખીને આણું વળાવી દે આવતી હોળી એ અને ધુનકી એ હા પાડીતી!! પણ હવે હોળી ને જાજી વાર પણ નહોતી ને લખીએ ના પાડી દીધી કે
“મારે ગટીયા હારે પરણવું જ નથી.”
“તો કોની હારે પરણવું છે તારે” ધુનકી બોલી.
“કોઈનીય હારે નહિ, મારે તો એક નિશાળ ખોલવી છે આપણા પડાવમાં એક સંસ્થા મને મહીને પાંચ હજાર આપશે ને મારે નાના નાના ટાબરિયાને ભણાવવા છે, મારે લગ્ન જ નથી કરવા” ધુનકી આ વાત સાંભળીને આભીજ બની ગઈ હતી..
નાત મુખીએ પાછી હોકલીમાંથી એક સટ મારીને ધુમાડાનો ગોટો કાઢ્યો... ધુમાડાના ગોટે ગોટા!!
“ઈ ના પરણે ઈ કિમ હાલે આ જોઈ લ્યો આ ચુંદડી એમાં ગાંઠ છે સોપારીની ગાંઠ” ગટીયાનો બાપ હકલો તપી ગયો અને ચુંદડીનો ઘા કર્યો ખાટલા ઉપર અને ચુંદડી હાથમાં લઈને એનો મોટોભાઈ નાત મુખી ધૂળા ગેમા એ કીધું.
“વાત તો બરાબર છે, ચોસઠ જોગણીની શાખે, વડવાઓની શાખે આ સંબંધ આજથી વિહ વરહ પેલાં નક્કી થયો હતો પણ આપણે લખીને પૂછીએ કે એને વાંધો શું છે”
“ભણી ને બગડી ગય છે એક વાર આણું વળીને આવે પછી બે જ દીમાં સીધી ના કરું તો મારા બાપ હકલા ધૂળાનું નામ લાજે નામ” ગટીયો બોલ્યો અને એની સાથે એનાં ચાર પાંચ વાંગડ ભાઈ બંધો પણ ખીખીખીખી કરીને હસ્યાં.. લખીએ તિરસ્કારથી એની સામે જોયું.પડાવ વાળી બધી બાયું અને છોકરીઓ લખીને માન થી જોઈ રહ્યા.
“હું બોલીશ તો ખરી પણ પછી નાત અને મુખી બાપાને સાંભળવાની તેવડ તો છે ને , તો જ હું બોલીશ.” લખી બોલી એક સન્નાટો વ્યાપી ગયો.
“ઓતારીની આ તો હિરોઈન જેવું બોલે છે, અલી તારે ફિલ્મમાં ઉતરવું હોય તો કહી દે જે હું તને મુંબઈ લઇ જાશ મુંબઈ” ગટીયો ટીખળે ચડ્યો.
“ભલે તારે જે કહેવું હોય ઈ કે નાત ને મને વાંધો નથી” નાત મુખી બોલ્યાને પાછો હોકલીમાંથી એક સટ મારીને ધુમાડા કાઢ્યા. બાકીના બીજા ચલમ પીતાં હતાં.
“આવા ખીલા ઉપાડ જેવા હારે મારી જિંદગી ના જાય, એનું મો તો જોવો આખો દિવસ મોઢામાં તમાકુ હોય અને ધંધા જાકુબના છે, અને હવે જમાનો બદલાઈ ગયો છે એનો વિચાર કર્યો છે,પેલાની વાત નોખી હતી મને મારી માએ કીધેલું કે પેલાં તો આદમી સાથે કામ કરતાં અને અત્યારે આપણા આઠે પડાવમાં કામ કરનારા કેટલા!! ભાયું બધાં બાયું પર જ નભે છે!! બધી વસ્તુ બાયું જ વેચે છે અને ભાયું તો આખો દિવસ ઘેનમાં પડ્યા રહે છે!! અને બીજા તો આડા અવળા ધંધા કરે છે મને ના ફાવે આવી જિંદગી!! ગટીયામાં એક પણ લખણ સારું હોય તો બતાવો..નાત ને ખબર હોય કે ના હોય મને ખબર છે એ દેશી દારુ નો ધંધો કરે છે!!આવા હારે મારે પરણવાનું!! હું નાત વિરોધ માં નહિ જાવ!! હું પરણીશ જ નહિ કોઈની સાથે મારે તો નિશાળ ખોલવી છે!! સરકારે મંજૂરી પણ આપી દીધી છે!! પગાર મને સરકાર આપશે. આ નાગાપૂગા અને રોગ થી લથબથ બાળકો જુઓ!!આને ખવરાવવાનું કોઈને નથી સુજતુ અને સાંજે સો રૂપિયાનો ઢીંચી જાવ છો તે નાત ને આની શરમ નથી આવતી!!પેલાં આપણામાં વ્યસન નોતા તે આપણા બાળકો ટાચકા જેવા હતાં, હવે જુઓ મંદવાડ આવી ગયો મંદવાડ!! એટલે નાત ને હું હાથ જોડું છું કે મને નિશાળ ખોલવા દે, મારે બધાને ભણાવવા છે!! હું મરીશ ત્યાં સુધી આ પડાવમાં જ રહીશ પણ ગટીયા હારે તો કોઈ કાળે પણ નહિ!! મારી ગાંઠ તોડી નાખો ચુંદડીમાંથી એટલું જ હું નાત મુખી પાહે માંગુ છું” લખી બોલી ગઈ બધાં સ્તબ્ધ બની ગયાં!! ગટીયો બોલ્યો..
“ આ હાળી તો રાજકારણમાં હાલે એવી છે એક વાર મારી સાથે આવી જા હું તને દલ્લી લઇ જાશ દલ્લી, અત્યારે ભડ ભડ બોલશોને પણ એક વાર આણું વળીને આવીજા આમ જો બાપના બોલથી તને સીધી દોર ના કરી નાંખું તો ફટ છે મને” અને ગટીયા સાથે એનાં ભાઈબંધો ખીખીયાટા કરતાં હસી પડ્યા.
“ તું મને સીધી કરીશ એમ, તારી જેવા ઉંટીયાલ તો મારી બાજુમાં પણ ઢુંકી શકે!! તારી જેવાને તો હું ઉભો ને ઉભો ચીરી નાંખું માટે માપમાં જ રેજે અને તારી બાજુમાં આ ખીખીયાટાં કરતાં ખૂટીયા છે એને પણ કહી દેજે કે માપમાં રે,અને જોવું છે તારે હું શું કરી શકું જોવું છે ??” એમ કહીને બાજુમાં પાવડાનો એક સાંબડો પડ્યો હતો તે બે હાથે લઈને વાળ્યો ને સામ્બડા ના બે કટકા થઇ ગયાં!! બધાં જોઈ જ રહ્યા ને પેલી ગેંગ તો કાળી મેશ થઇ ગઈ!! ચહેરા પર થી હાસ્ય વિલાઈ ગયું.
નાત મુખી મલક્યા હોકલીમાંથી સટ માર્યો અને ધુમાડાના ગોટા કાઢીને બોલ્યાં.
“ નાત ને દંડ ભરી દે એટલે નાત છૂટી અને તુય છૂટી, નીમ ઈ નીમ હું પંચને કહું કે એનો દંડ કેટલો થાય એ કહે અને પંચ જે દંડ કરે ઈ કાલ આવા ટાણા સુધીમાં ભરી દે નહીતર પછી આવતી હોળી નહિ પણ કાલે જ તને ગટીયા સાથે વળાવી દેવાની છે”
એમ કહીને જમણા હાથે ડાબા પગને એક થાપટ મારીને હોકલી ઓલવી નાંખી!! જ્યારે નાત મુખી થપાટ મારીને પછી હોકલી ઓલવે એટલે નિર્ણય ફાઈનલ ગણાય!!!
પંચના લોકો ગુચ પૂછ કરવા લાગ્યાં!! લખી ગર્વથી ઉભી હતી, બીજી બાયું ને માન થતું હતું લખી પર પણ બચારી બોલી શકતી નથી. ધુનકીને આજ પોતાના ધાવણ પર ગૌરવ થયું. પેલી ગેંગ તો મૂંગી મંતર જ થઇ ગયેલી અને ગટીયાને ય થઇ ગયું કે આ જો આણું વળીને આવી તો મારા તો ઢીંઢા જ ભાંગી નાખે. એની નજર પેલાં તૂટી ગયેલાં સાંબડા તરફ જતી હતી!!!
“આ વરહ ને ધ્યાનમાં લઈને આ નાત ત્રણ લાખ ને ચાલીશ હજાર દંડ ઠરાવે છે, ઈ કાલ બપોર સુધીમાં ભરી જાય ધુનકી તો એની ચુંદડીની ગાંઠ છોડવામાં આવશે નહીતર નાત મુખી એ કીધું એ પ્રમાણે લખીને આણું વળાવવામાં આવશે:” પંચે જાહેર કર્યું ને ધુનકીના મોતિયા મરી ગયાં. એ તો રડવા જ લાગી એ એકલી બાઈ એની પાહેથી આટલા રૂપિયા કયાંથી હોય એણે હાથ જોડ્યા નાત સામે અને લખી ખીજાણી
‘ “તું રો માં માડી તું રો માં હું ય જોવ છું કાલે મને આ બધાં કઈ રીતે આણું વળાવે છે!!!, કાલે મરદ ના દીકરા છે કેટલા એની ખબર પડી જાશે!!! હાથ જોડમાં તું આ બધાની સામે !! કાલ હું શું અને આ બધાં છે!! કાલ બધાનું પાણી મપાય જાશે હાલ્ય મોર્ય થા માડી”!! અને આમ કહીને એક ક્રોધ ભરેલી અંગારા વરસતી આંખે લખી એની માં ને લઈને એનાં પડાવે જતી રહી.. બધાની ચલમ આપોઆપ ઠરી ગઈ હતી!!! બધાં જ બોલ્યાં વગરના વીંખાઈ ગયાં!!
રાત જામી હતી!! નાત મુખીને ઊંઘ નથી આવતી આકાશમાં બીજનો ચંદ્રમાં ચમકી રહ્યો હતો!! રાતના લગભગ બે વાગ્યા હતાં!! ધૂળા ગેમા ઉભો થયો!!! એક બાવળ પાસે ગયો!! ત્યાં એક આંકડો હતો ત્યાં એણે હાથ થી થોડું ખોદ્યું, અંદરથી એક મોટો બરણો કાઢ્યો. બરણામાંથી ચાર બંડલ કાઢ્યા અને નાંખ્યા એક થેલીમાં અને પછી લીધી પેલી હોકલી અને હાલ્યો પડાવ બાજુ!!!
બે પડાવ પછી એ ચોથા પડાવે આવીને ઉભો રહ્યો, આજુબાજુ જોયું બધાં ઘોંટાઇ ગયાં હતાં ધીમા પગલે છેલ્લાં ગાડા પાસે ગયો અને ત્યાં તંબુમાં માં દીકરી જાગતા હતાં!! ધીમો ઈશારો કર્યો, ધુનકી અને લખી એ નાત મુખીને જોયા અને ચમકી ઉઠ્યા લખી કશુક બોલવા જાય છે ત્યાં નાત મુખી એ હાથ જોડીને ઈશારો કર્યો કે બોલતી નહિ. મુખીની આંખમાં એક લાચારી હતી. ઇશારાથી મુખીએ દૂર રહેલા ખીજડા ના ઝાડ નીચે આવવાનો ઈશારો કર્યો.ત્રણેય જણા દબાતા પગલે ખીજડાના ઝાડ પાસે ગયાં અને નાત મુખી બોલ્યો. કોથળી ધુનકીને આપી.
“ આ લે આમાં ચાર લાખ છે, કાલે મારા ખાટલા પર ત્રણ લાખ ચાલીશ હજારનો ઘા કરજે અને બાકીની રકમ લખી માટે નિશાળમાં ભલે વપરાય, ચોસઠ જોગણીના સોગંદ છે કોઈને વાત નહિ કરવાની કે પૈસા મેં આપ્યા છે”
“ આ મહેરબાનીનું કારણ હું જાણી શકું “ લખી બોલી. નાત મુખી ધૂળા ગેમા બોલ્યો.
“અમુક વાતો ના કારણ ના જણાય બસ રોગ મટાડવો હોય તો મારણ જોવાય” પણ લખી વાતને વળગી રહી.
“ તો અમારે નથી જોઈતા આ પૈસા, અને મારે શું કામ તમારી દયા પર જીવવાનું” છેવટે નાત મુખી બોલ્યો લખી માથે હાથ મુક્યો.
“તું મારી દીકરી જેવી છો, તારી માં ને પરણવાની ઈચ્છા હતી, તારી માં પણ મને દિલ આપી ચુકી હતી. પણ અમે મર્યાદામાં જ હતાં. એ વખતે મને અને તારી માને પણ ચુંદડીની ગાંઠ જ નડી ગઈ હતી. મારા બાપા ગેમા ભલા એ વખતે મુખી હતાં!! એમણે જ નાનપણ માં મારો સંબંધ વાલી સાથે ગોઠવેલો અને ધુનકીનો મંગલા સાથે!! બસ પછી તો અમે દૂર થી એક બીજાને જોયા કર્યા વરહ થઇ ગયાં આજે ચાળીશ પણ એક બીજાને હજી અડ્યા પણ નહિ !! ધર્મ ઈ ધર્મ !! મંગલો મર્યો ત્યારે હું ખુબ રોયો હતો. પછી તો હું નાત મુખી થયો કારણ કે બે વરહ પછી મારો બાપ ગુજરી ગયેલ. હું તને નાની હતીને ત્યારથી દીકરીજ માનું છું!! ભલે સગી નથી તો શું થયું !! ધુનકી ની દીકરી ઈ મારી જ દીકરીને બાકી ધર્મ ઈ ધર્મ!! એટલે જ તો તને ભણવા માટે મેં રજા આપેલી!! દીકરી તું નિશાળ ખોલ!! બધાને ભણાવ હવે જમાનો છે ભણતર નો!! અમારું તો જીવતર અંધારામાં ગયું પણ અજવાળું તમને બોલાવે છે!! કાલ દંડ ભરી દો પછી કોઈ તમને વતાવશે નહિ!! આ પૈસા મારી મરણ મૂડીના છે!! મારી કમાણીના છે !! નીતિના પૈસા છે !! નીતિના પૈસાથી નીતીવાળું શિક્ષણ આવે મારે બે છોકરા છે ને પણ હવે ઠીક મારા ભાઈ એકેયમાં દિવેલ નહિ!! હાલો મારે મોડું થાય છે” ધૂળા ગેમા એ હોકલી કાઢી ગડાકું ભરી અને સટ મારીને ધુમાડાનો ગોટો કાઢ્યો!! લખી આગળ આવી પગે લાગી!! ધૂળા ગેમાએ માથે હાથ મુક્યો!! ધુનકી એ હાથ જોડ્યા.. અને નાત મુખી ઉપડ્યો પોચા પગે!! હળવે... હળવે...... પાછો હોકલીમાંથી એક સટ મારીને વાદળને આંબી જાય એવો ધુમાડાનો ગોટો કાઢ્યો!!
અને બીજે દિવસે સવારે, બધાની સામેજ, ધુનકી એ રૂપિયાનો ઘા કર્યો અને બોલી.
“ ગણી લ્યો તમારાં રૂપિયા , બરાબર ગણજો પછી ના કહેતા કે ઓછાં છે” પૈસા ગણાયા, બધાને નવાઈ લાગી.
“ લાવ્ય ચુંદડી હકલા “ હકલા ને હજુ માન્યામાં નહોતું આવતું કે ત્રણ લાખ અને ચાલીશ હજાર ધુનકી એ કાઢ્યા ક્યાંથી.
“લાવ્ય ચુંદડી હકલા , સાંભળતો નથી કે શું ?” અને હકલા એ ધ્રુજતા હાથે ચુંદડી આપી,
અને ધૂળા ગેમા એ હોકલીમાથી સટ મારી, ધુમાડાના ગોટા કાઢ્યા. અને પછી ધૂળા ગેમા બોલ્યો.
“ચોસઠ જોગણીની સાખે, નાત મુખી ધૂળા ગેમાની શાખે,એનાં વડવા ગેમા ભલાની સાખે,એનાં વડવા ભલા રામાની સાખે એમ એકોતેર પેઢીની શાખે આજ ફાગણ મહિનાની ત્રીજ ને શાખે,પંચ પરમેશ્વરની શાખે, જતી સતી સુરજનારાયણની શાખે આજે મંગલા જૂઠાની ઘરવાળી ધુનકી એ પોતાની દીકરી લખી નો જે સંબંધ હકલા ગેમા ના છોકરા ગટીયા સાથે ઠેરાવેલો હતો એ રૂપિયા ત્રણ લાખ ને ચાલીશ હજાર આપીને ફોક કરેલ છે હવે પછી આ બાબતે કોઈએ લખી કે ધુનકી ને સંભળાવશે કે ખાર રાખશે તો એને નાત બહાર મુકવા માં આવશે” એમ કહીને એક જ જટકે પેલી ચુંદડી માંથી ગાંઠ છોડી નાખી સરરરરરરરર કરતી ને બેય ને એક એક સોપારી આપી દીધી!! અને પછી એક સટ મારીને ધુમાડાના ગોટા કાઢીને ધૂળા ગેમા એ જમણા હાથે ડાબા પગને એક થાપટ મારીને હોકલી ઓલવી નાંખી!! જ્યારે નાત મુખી થપાટ મારીને પછી હોકલી ઓલવે એટલે નિર્ણય ફાઈનલ ગણાય!!!

Post a Comment

 
Top